મિશન મમ્મી : મિશન અકમ્પ્લીશ્ડ?

જયારે પણ ગુજરાતી ફિલ્મો કે સાહિત્ય ની વાત નીકળે, હમેશા એક જ વાત થાય. “ ‘હવેની પેઢી ને ગુજરાતીમાં એટલો રસ રહ્યો નથી. ‘પિઝ્ઝા-બર્ગર’ ની આ પેઢીને જો સિનેમા/સાહિત્યમાં રસ લાવવો હોય તો થોડી ‘અંગ્રેજીયત’ તો ઉમેરવી જ પડે .”
છેલ્લા થોડા સમયથી આ જ પ્રકારની વાત સાંભળવા મળે છે, ચાલો એની પહેલા તો એવું કહેવાતું કે ગુજરાતી મરી જ પરવારશે અને ગુજરાતી ફિલ્મોનું કોઈ ભવિષ્ય જ નથી (જોકે એ વખતે વર્તમાન પણ નહોતું એક રીતે, એ વગર કીધેલી બિનશરતી સમજણ હતી)! પણ પછી આવેલી ફિલ્મોએ, ‘કેવી રીતે જઈશ?’ પછી, સત્તાવાર રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટરીને બેઠી કરી અને ‘અર્બન ગુજરાતી ફિલ્મ‘ જેવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો! આવી જ ફિલ્મો ચાલે? આ જોકે બીજી ચર્ચા છે. પણ, આ પ્રકારની ફિલ્મોની શરૂઆત તે સમયે નહોતી થઇ, સ્કૂલના સમયમાં ‘બેટર હાફ’ અને ‘લવ ઇસ બ્લાઈન્ડ’ નામની ફિલ્મો આવી હતી, જોકે ઘણા ઓછા લોકોને એના વિષે ખબર હોવાથી, ફિલ્મ સફળ ન થઇ શકી. આ પરથી ફેસબુક/ટવીટર વગેરેનું મહત્વ ખબર પડે છે. એમાંથી એક ફિલ્મના દિગ્દર્શક આશિષ કક્કડ, બાયોસ્કોપવાલા ની જ આ ફિલ્મ મિશન મમ્મી છે.અત્યારના સમયમાં ગુજરાતી ફિલ્મોની એક નવી લહેર ચાલી છે એને આશિષભાઈની આ ખૂબસૂરત ફિલ્મ આગળ વધાવતી રહે છે. અચાનક જ ખબર પડતા કે ગુજરાતી ફિલ્મોના ‘અર્બનીકરણ’ના લીધે એ હીટ થઇ શકે છે, અર્બન ગુજરાતી ફિલ્મોનો જાણે રાફડો ફાટી નીકળ્યો હતો!! એમાં મોટા ભાગની ફિલ્મો ભલીવાર વગરની હોવાથી ફરી પાછો ગુજરાતી ફિલ્મોમાંથી મૂડ મરી ગયો હતો. ભલું થાય કે આવી ફિલ્મ આવી!! IMDB માં નામ સર્ચ કરતા મિશન ઈમ્પોસીબલ ની નીચે આવે છે!!

હવે આ બધું લખવાનું કારણ એ કે, ફિલ્મ ની વાર્તા પણ થોડા ઘણા આ જ પ્રકારના વાતાવરણને રજુ કરે છે. ફિલ્મની શરૂઆત જ વન એન્ડ ઓન્લી શાહબુદ્દીન રાઠોડ સાથે થાય છે!! ઘણા સમય પછીની ફિલ્મ, જેમાં સીધી ફિલ્મ શરુ થાય છે કોઈ સમય બગડ્યા વગર, તેમ છત્તા જરાય પણ અજુગતું લાગતું નથી. ગામડાના અને વાડીના દ્રશ્યો પછી શહેરની મેટ્રો લાઇફમાં આરામથી સ્વીચ થઈને સ્ટોરી આગળ વધે છે! જરૂર પડ્યે બધા રેફરન્સ મળે રાખે છે.

ફિલ્મની સહુથી ખૂબસૂરત બાબત તો એ છે એના પ્રભાતિયા! ઘણા સમયે આ રીતે પ્રભાતિયા ગવાતા હોય એવું વાતાવરણ મળ્યું છે! જેને પણ ફિલ્મ જોઈ છે એમાં થી દરેક વ્યક્તિને પૂછવામાં આવે તો ગેરંટી કે કોઈ બી એમ ના કહે કે આ નથી ગમ્યા કે હજી વધુ સરસ થઇ શક્ય હોત! હિમાલી વ્યાસ નાયક, જેમને થોડા દિવસ પહેલા જ સ્ટેજ પર સંભાળવાનો મોકો મળ્યો, અહિયાં ફિલ્મ નો આત્મા છે! ફિલ્મની સ્ટોરી પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે અને પ્લેટફોર્મ પ્રમાણે ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે તેમની ગોઠવણ કરી છે. ૧૦/૧૦. રેફરન્સ માં આવતા બીજા ગુજરાતી સાહિત્ય અને પાત્રો તથા માન્યતાઓને ખૂબ જ બારીકાઈથી વણી છે!!

ફિલ્મનો સહુથી મોટો પ્લસ પોઈન્ટ: આરતી પટેલ!! હું તો જોકે તેમનો નાનપણથી ફેન રહેલો છું. ગમ્મત ગુલાલ ના એક એપિસોડ માં વાત કરતા કહેતા હતા કે હવે આ ચવાયેલા જુના ટુચકાઓ બંધ થવા જોઈએ અને થોડા ‘લોજીકલ’ કહી શકાય એવી વાત સાથેના જોક્સ શરુ થવા જોઈએ! ત્યારબાદ સુહાસિની થી લઈને બે યાર અને  માય FM ના ઝીંદગી એક્ષ્પ્રેસ્સ માં હજી પણ પિક્ચર તો અભી શુરુ હુઆ હૈ મેરે દોસ્ત ની ફીલિંગ આપતા રહે છે, ફિલ્મ ના લીડીગ કેરેક્ટર માં એકદમ અફલાતૂન પરફોર્મન્સ આપે છે! આખી ફિલ્મ માં ઘણા જ દ્રશ્યો છે, જેમાં અલગ અલગ એક્ષ્પ્રેશનની જરૂર છે. આજ્ઞાકારી વહુ, આદર્શ પત્ની, એક ગાયિકા, મહેનતુ હાઉસવાઈફ અને અબાઉ ઓલ પરફેક્ટ મમ્મી!! બધા જ દ્રશ્યો માં પેર્ફેક્ષનીસ્ટ!! સર્વશ્રેષ્ઠ અભિનેત્રી સાથે સર્વશ્રેષ્ઠ મુખ્ય કલાકાર નો અવોર્ડ પણ અહિયાં જ જવો જોઈએ!!

રાજ વઝીર, પિતાનો રોલ, બખૂબી થી નિભાવ્યો છે! રોલમાં એટલી લંબાઈ તો નહોતી, પણ તેમ છતાં દરેક દ્રશ્યમાં પોતાના પાત્રનું મહત્વ અને પોતાની અભિનયક્ષમતા બંનેને જાળવી રાખે છે. મહેમાન કલાકાર માં ધ્વનિત ગુજરાતી શિક્ષક ના રોલ માં જામે છે!! હવે ગુજરાતી બોલનાર વ્યક્તિઓ આવા ન હોઈ શકે? “આખેઆખા બાઈક ને સ્વીકારી લીધું છે, તો બાઈક શબ્દ ને કેમ ન સ્વીકારાય??” સંવાદ ઘણું કહી જાય છે!!

પછી અતિ મહત્વના, ત્રણે બાળકો!! ત્રણે ત્રણ અભિનેતા સત્યમ(વ્યોમ), આશના(સલોની) અને સૌમ્ય(વિસ્મય | વીશી)!! ફિલ્મના હાર્દ સમાન કેરેક્ટર્સ, ઉમર પ્રમાણે જ જરૂરિયાત અને માનસિકતા!! બાઈક, મોબાઈલ અને બધું જ!! તેમ છતાં, બાળકોના નેચરલ પરફોર્મન્સ ને થોડાક મેલોડ્રામામાં નાખતા થોડું બેલેન્સ બગડી ગયું છે. બાળકોએ પોતાની સ્ક્રીન પ્રેઝન્સ માં બધા જ પ્રકારના ઈમોશન્સ આપ્યા છે. “Why do I have to miss her so much?”  અલગ જ પ્રકારનું ગીત!! ફિલ્મના ખૂબ જ મજબૂત અને સંવેદનશીલ સમયમાં આવે છે. બાળકોએ પોતાના પરફોર્મન્સથી વધાવી લીધું છે. આખી વાર્તાનો સાર અને મુખ્ય મુદ્દા સમાન વાત અહિયાં કહેવાઈ છે અને એ બધા જ દર્શકોના હૃદય ને સ્પર્શી જાય છે. આ દ્રશ્યોમાં અને વાર્તા માં કોઈ પણ એવો વ્યક્તિ નહિ હોય કે જેમને એમની મમ્મી યાદ ન આવી ગઈ હોય! મિશન અકમ્પલીશ!!

પણ, આ જ અઠવાડિયામાં ફેન્ટાસ્ટીક બીસ્ટસ, એ દિલ હૈ મુશ્કિલ અને ડીયર ઝીંદગી જોઈ છે અને સાથે કોલેટરલ બ્યુટી પણ!! જેથી અપેક્ષા થોડી વધુ હતી!! અમારી જનરેશન ને ઓપ્શન ઘણા મળ્યા છે, એટલે ફિલ્મમાં ડીટેઇલિંગ અને પરફેક્ટ સ્પેસીફીકેશનની થોડી આદત પડી ગઈ છે.  આ ફિલ્મ બધાને યાદ રહી જશે, પણ ક્લાસિક ના દરજ્જે કદાચ નહિ મૂકી શકાય! ફર્સ્ટ હાલ્ફ સારો, ઈન્ટરવલ સુધી આવતા વધુ સરસ બને છે, ઈન્ટરવલ પછી થોડા અપ્સ એન્ડ ડાઉન પછી પણ રસ જાળવી રાખે છે, પણ સારી રીતે વહેતી ફિલ્મ નો કલાઇમેકસ ખાસો યાદગાર બનાવી શકાય એમ હતો, કમનસીબે નબળો રહી ગયો! ફિલ્મ ઘણા અંશે English विंग्लिशને યાદ અપાવતી હતી, પણ તેના જેવા બધા પાસા ને વણી શકી નથી, ખાસ કરીને કલાઇમેકસ! બે મુખ્ય બાબત માતાને આજના સમયમાં પડતી તકલીફ અને બાળકોની તેને બદલવાની જદ્દોજહત અને બીજું ગુજરાતી ભાષા ને આગળ લાવવાની એક ઝુંબેશ!! આ બાબતોમાં થોડીક પુરાણી બોરીંગ બોધકથા ના ભાષણ જેવી થઇ ગઈ! અંતમાં થોડીક લાપસી અને થુલી જેવી અનુભૂતિ દર્શક ને થાય તેવી હતી! દર્શક બહાર નીકળે ત્યારે ભાષા મારી ગુજરાતી છે ની વાત અને આજની ગુજરાતી મમ્મી/સ્ત્રી ની વાત માં થોડીક ખીચડી થઇ જાય તેવી અવઢવમાં રહી જાય. આરતીબેનના શ્રીદેવી ની જેમ થોડા વધુ ચોટદાર સંવાદ અને સીન્સ હોત તો યાદગાર થઇ ગઈ હોત!!

ફિલ્મ ના સરસ લોકેશન ની સાથે ડબિંગ સાથ આપતું નથી. ઘણા પાત્રો સાથે તેમના સંવાદ sync થતા નથી. અવાજ ખાસો લાઉડ આવે છે અને ફ્રેમ્સ માં થોડી લો બજેટ ટેલીફિલ્મ જેવો અનુભવ આપે છે!

પણ અંતમાં, એક ફીલગુડ, પારિવારિક, સંવેદશીલ તથા બધી જ જનરેશન ને આકર્ષી શકે તેવી ખૂબસૂરત ફિલ્મ! સંવાદો ઘણી જગ્યાએ, ખાસ કરીને વીશી ના રોલ માં અદ્ભુત!!

ફિલ્મનો સંવાદ અશોક દવેએ એમના લેખની સિક્સર માં મુક્યો છે:
પિતા: તારા બધા ભાઈબંધો કુવામાં પડે તો તું પણ પડીશ?
વીશી: હા.. ઉપર એકલો એકલો હું શું કરું?? 🙂

Leave a Comment

Your email address will not be published.