Life is about people.
જીંદગી!! આપણે જે જીવીએ છીએ એ કોના માટે છે? એના જવાબમાં ખૂબસૂરત જવાબ ફિલ્મની શરૂઆતની લાઈનમાં જ આપી દીધો છે. વિલ સ્મિથ, ધરખમ કલાકાર, ફરી એક વખત પોતાની એક જબરદસ્ત પરફોર્મન્સથી પેક ફિલ્મમાં, પહેલા જ સીન થી એનર્જીથી ભરપૂર સ્પીચમાં પોતાની થીયરી રજુ કરે છે. હા, અહિયાં કોઈ ખોટા પાઠ નથી ભણાવાતા, મસ્તીમાં કહે છે કે તમે અહિયાં આવો છો, નોકરીએ, કારણ કે નહિ આવો તો હું જ કાઢી મુકીશ! આમ, લોજીકલ વાત કરે છે, જસ્ટ ઉપદેશકથા નો ગળચટ્ટો બોધ નથી આપતો.
આપણે અહી એકબીજા સાથે જોડાવા માટે છીએ. પ્રેમ, સમય અને મૃત્યુ. આ ત્રણ બાબતો પૃથ્વી પરના દરેક માનવીને જોડી રાખે છે. પ્રેમ માટે આપણે ગમે તેટલી હદ સુધી જઈએ છીએ. હમેશા ઈચ્છીએ છીએ કે થોડો વધુ સમય હોત. અને દરેકને મૃત્યુ નો ડર છે.
હાવર્ડ(સ્મિથ) એનર્જીથી ભરપૂર એક કોર્પોરેટ કંપનીના સેલ્સ માટેના સર્વકર્તાધર્તા કહી શકાય તેવા લીડર તરીકે કામ કરે છે. એની ફર્મ એના કામથી ખાસા હદે સફળ થઇ છે, તેનું કારણ હાવર્ડનું કરિશ્માઈ વ્યક્તિત્વ છે. તેની ટીમમાં છે. સાયમન (માઈકલ પીન્યા), મહેનતુ, ઈમાનદાર અને શાંત વ્યક્તિ. ક્લેઈર (કેટ વિન્સલેટ) ઈમાનદાર, ભાવુક અને માયાળુ અને આ બધામાં એનો ખાસ કહી શકાય એવો દોસ્ત વિટ(એડવર્ડ નોર્ટન) આવેશપૂર્ણ, મહત્વાકાંક્ષી અને અતિ વ્યવહારુ.
અને આ વ્યક્તિ, હાવર્ડ, જે બધા જ લોકોના કાર્યનો, ઉર્જાનો, હિંમતનો સ્ત્રોત છે, તેના જીવનમાં એક કરુણાંતિકા સર્જાય છે. કોઈ પણ પુરુષ કદાચ એની દીકરીથી વધુ પ્રેમ કોઈને નથી કરી શકતો. આવી જ રીતે, હાવર્ડની દુનિયામાં સહુથી વહાલી વ્યક્તિ, તેની પુત્રીનું મૃત્યુ થાય છે. હાવર્ડ સાવ જ ભાંગી પડે છે અને ત્યાંથી ફિલ્મ શરુ થાય છે.
હાવર્ડ, જે પોતાના સ્વભાવ માટે, હકારાત્મક વલણ અને ઉર્જા માટે જાણીતો હતો, સાવ નકારાત્મક થઇ જાય છે. હમેશા કૈક ને કૈક કામ પાર પડતો વ્યક્તિ આજે સાવ બેકાર બેસી ગયો છે. એના હાથ પણ ધ્રુજી રહ્યા છે. બધું જ કામ રોકાઈ ગયું છે. ખૂબ જ સમય વીતી ગયો, તેમ છત્તા આજે હાવર્ડ કોઈની સાથે વાત નથી કરતો. વિટ એની સાથે વાત કરવાનો પ્રયાસ રોજ કરે છે પણ કઈ જવાબ નથી આવતો. હવે કંપની તરફથી પણ દબાણ શરુ થાય છે. બધા જ સહકાર્યકરો એ બાબતે થોડા ચિંતિત થાય છે.
એકલાપણું… ફિલ્મમાં બખૂબીથી દર્શાવ્યું છે. વ્યક્તિની જીંદગી કેટલી ક્રૂર થઇ જાય છે. વ્યક્તિની જીંદગીમાં એટલી ખરાબ ખોટ ગઈ છે, જેને ભરી શકાય તેમ નથી. એ સ્વીકારી શકતો કે આ થઇ ગયું. કોઈની સાથે વાત નથી કરતો. પણ, એ પત્ર લાખે છે. કોઈ વ્યક્તિને નહિ, પ્રેમને… સમયને… મૃત્યુને! હૃદયના ભુક્કા કરી નાખે, માણસને તોડી નાખે તેવી વ્યથા કેવી હોય એ દેખાઈ આવે છે! પછી ફિલ્મ માં દેખાડ્યું છે એ અતિશય ક્રૂર છે. પ્રોમોમાં જોયા પછી આ અપેક્ષા નહોતી, પણ ફિલ્મની સિચ્યુએશન ઘણી ક્રૂર છે. જેમ જીંદગી પણ ક્રૂર જ છે ને!
સમય… બધા કહે છે ને કે સમય સાથે બધું ઠીક થઇ જાય છે, આ જ ઉપદેશો સાંભળી સાંભળીને બધા પાકી ગયા છે. અહિયાં પત્રમાં લખ્યું છે, સમય, વાસ્તવમાં બધું જ બગડી દે છે, બરબાદ કરી છે, સમય કદી ઘા નથી રુઝાવતો!
મૃત્યુ.. જિંદગીનું સહુથી મોટું સત્ય, પણ સહુથી ખરાબ પણ. મૃત્યુને સહુથી વધુ ફરિયાદ કરે છે.
અને પ્રેમ… Goodbye!
અને આમાં બને છે અજાયબ ઘટના… આવે છે એક વ્યક્તિ મળવા.. બ્રિજેટ (હેલેન મિરેન), કહે છે કે તારો પત્ર મળ્યો.. હું છું મૃત્યુ!!
હૃદયના ધબકારા રોકી દે એમ, જે ‘વસ્તુ’ઓને હાવર્ડ પત્ર લખે છે, તે મૃત્યુ, સમય અને પ્રેમ એને મળવા આવે છે અને બને છે એક અતિસંવેદનશીલ, થોડીક ગૂંચવાયેલી અને પૂરી ખૂબસૂરત ફિલ્મ!!

હેલન મિરેન, ઓસ્કાર વિજેતા અભિનેત્રી, સન્માનનીય અને સીનીઅર નામ તેમજ હજી પણ એક સક્ષમ અદાકારા! મૃત્યુના રોલ, જે સહુથી અસરકારક હતો આખી ફિલ્મમાં, બખૂબી નિભાવ્યો છે! રહસ્યમયી, ગૂઢ, તેમ છતાં માયાળુ!

સમય ના જટિલ રોલમાં, બધા જ ધુરંધર અભિનેતાઓની વચ્ચે યુવા વયના જેકબે અદ્ભુત પ્રદર્શન આપ્યું છે. બધાને સરખો જ સમય મળે છે પણ એનો સદુપયોગ કોઈ કરતા નથી, ખાસ કરીને જયારે ફરિયાદ કરે છે!! બ્રિલીયન્ટ!

પ્રેમ… LOVE.. એમનેમ પણ સહુથી કોમ્પ્લીકેટેડ અને અહિયાં તો એથી વધુ! હાવર્ડ… જે પ્રેમ પરથી પૂરો ભરોસો ગુમાવી ચુક્યો છે, તેને સમજવાના રોલમાં કાયરા નાઈટલી અફલાતૂન પરફોર્મન્સ આપે છે. પ્રેમ, જે હસીન, ખુશહાલ, ઝનૂની હોય છે, અહિયાં કાયરા થોડીક એકલી અને દુઃખી પણ લાગે છે! જોવા જઈએ તો પ્રેમ એવો જ તો છે! પણ એક વાક્ય: “પ્રેમ એક માત્ર કારણ છે (જીવવા માટે, મારવા માટે, દરેક વસ્તુ માટે! પોતાને જ પૂછો! 🙂 )”
ફિલ્મમાં એના પાત્રનું નામ Aimee Moore છે, Aimee નો ફ્રેંચ અર્થ થાય છે પ્રેમ, તો આ નામનો મતલબ થાય છે Love More! 🙂

નાયોમી નું પાત્ર… મેડીલેઈન… આહ!! જે લોકોએ મૃત્યુમાં પોતાના સ્વજનોને ખોયેલા છે તેમને માટે એક ગ્રુપ ચલાવતી, જેની પોતાની પણ અંગત ટ્રેજેડી છે. સ્મિથને હમેશા મદદ કરે છે. આખી ફિલ્મમાં, સરળ, નિખાલસ, પ્રેમાળ રહે છે અને થોડાક પ્રેડીક્ટેબલ સસ્પેન્સ સાથે ખૂબ જ મજબૂત પાત્ર!! કેલીપ્સો જેવું રહસ્યમયી પાત્ર ભજવ્ય પછી, ફરી પાછા આ પાત્રને જીવી જાણ્યો છે!

સાયમન, હાવર્ડ ના દોસ્ત/સહકાર્યકરોમાંથી એક! ઈમાનદાર, વફાદાર, થોડોક ભોળો પણ વ્યવહારુ! હાવર્ડ પર અને પોતાની નોકરી પર ખાસો એવો આધારિત! જેની પોતાની પણ અંગત બાબત હોય છે, જે કોઈ નથી જાણતું! એના સહુથી નજીકના વ્યક્તિ પણ! રોજ એક મેરાથોન દોડું છું એ દેખાડવા કે હું… બીજી ક્રૂર વાર્તા!

કેટ… આહ!! કેટકેટલા લોકોનો ક્રશ હશે!! બેશક દુનિયાની સહુથી ખૂબસૂરત વ્યક્તિમાંથી એક અને ઓસ્કાર વિજેતા, વિશ્વે જોયેલી સર્વશ્રેષ્ઠ અભિનેત્રીમાંથી એક! એક સાચી દોસ્ત, ઈમાનદાર સહકાર્યકર, સારી વ્યક્તિ, એકલું જીવન જીવતી અને સંબંધ માટે મોડી પડી ગયા પછી બાળક ઝંખતી મહિલાનો રોલ આના સિવાય કોઈ બીજું ન કરી શક્યું હોત! હજી પણ એની આંખોમાં ૧૭ વર્ષની રોઝની અધીરાઈ અને ઉત્કાંક્ષા દેખાય છે અને સાથે જ ભીનાશ, ભાવ દેખાય છે જે એક સાચા મનની મેચ્યોર વ્યક્તિમાં દેખાવા જોઈએ! સાચે જ, આનો પર્યાય દુનિયામાં બીજે ક્યાય ન મળે!

કોઈ પણ જટિલ અને ગુંચવેડાભર્યા રોલને પરકાયા પ્રવેશથી પોતાની દરેક ફિલ્મના રોલથી અલગ પાડીને ભજવી જાણનાર હરફનમૌલા અભિનેતા! જેની ફાઈટ ક્લબ કોઈ પણ સીનેરસિક ન ભૂલી શકે! એક પ્રેક્ટીકલ બીઝનેસમેન, જે પોતાની પત્નીને છોડી ચુક્યો છે અને ગમે તેવા કડવા નિર્ણય લઇ શકે છે, જે કોઈને નહિ, ખુદ પોતાને નહિ કહે તે બાબત, કે તે પ્રેમ કરે છે સહુથી વધુ પોતાની પુત્રીને. પણ પોતે એ બાબતે નિશ્ચિત નથી. પત્નીને છોડી ચુકેલો અને છેતરપીંડી પણ કરી જાય એવો વ્યક્તિ! શું આવા વ્યક્તિની જીંદગીમાં પણ સાચો પ્રેમ હોય છે?

હવે તો ઓસ્કાર આપો આને!! ફરી પાછું એક પાવરહાઉસ પરફોર્મન્સ! ફરી એક કોમ્પ્લીકેટેડ પાત્ર! ખુબ જ ઓછી, પસંગીની અમુક જ ફિલ્મો કરી, હોલીવુડ ના સહુથી વધુ પેઈડ કલાકારમાંથી એક, હમેશની જેમ આ વખતે પણ સપાટો બોલાવી જાય છે! અતિશય કોમ્પ્લીકેટેડ એવું મુખ્ય પાત્ર હાવર્ડ! બધા જ પાત્રો સાથે અલગ જ પ્રકારનો સંબંધ!આનીપાછળનુંએકઅગત્યનું કારણ એ છે કે, વિલ સ્મિથ પોતે આ પ્રકારની ટ્રેજેડીમાંથી ગુજરી રહ્યો હતો. આ પાત્રને જયારે વિલ સમજતો હતો એ સમયે એના પિતા મરણપથારીમાં હતા! સ્મિથ કહે છે કે આ ફિલ્મે એક રીતે એ દુઃખમાંથી બહાર આવવા માટે એને ઘણી મદદ કરી છે!
(આ રોલ માટે પહેલા હ્યું જેકમેન ને લેવામાં આવ્યો હતો, પરંતુ શીડ્યુલ ના કારણે વિલ સ્મિથ ની બદલી થઇ, જેક સ્પેરોના રોલમાં આ જ રીતે જોની ડેપ ને લેવામાં આવ્યો પછી જે થયું એ ઈતિહાસ છે! જોકે વુંલ્વોરીન નો પર્યાય પણ ક્યાય મળે એમ નથી!)
એકલાપણું તમને કેટલી ખરાબ રીતે ખાઈ જાય તે ફિલ્મમાં સરસ દર્શાવ્યું છે! આ સમયે દોસ્તો કેટલા જરૂરી હોય છે તે કેટ, માઈકલ અને એડવર્ડને લીધે ખબર પડે છે! ડીપ્રેશન, એ વખતે એકલતા, દોસ્તોમાંથી કે ઇવન અજાણ્યામાંથી કોઈકનો સાથ એ ડૂબતાને તણખલાં સમાન છે!
ફિલ્મની સહુથી સારી બાબત, દરેક પાત્રની જોડ બનાવી છે. હેલેન (મૃત્યુ) ની માઈકલ સાથે, જેકબ (સમય) ની કેટ સાથે, અને કાયરા(પ્રેમ)ની એડવર્ડ સાથે! એ બધાયની પોતાની જ અલગ કેમિસ્ટ્રી છે. અને ન ભૂલાય તેમ નાયોમી અને સ્મિથ! સ્મિથનું પાત્ર મુખ્ય છે જે બધા જ વ્યક્તિઓની સાથે અલગ જ રીતે જોડાયેલો છે અને સબળ રીતે બધાને મેનેજ કરે છે!
વિલ સ્મિથે કહ્યું હતું, “જો આપણને આપના દોસ્તોના લીધે જ જજ કરવામાં આવતા હોય છે, તો હું આ બધા કલાકારોને આખી જીંદગી મારાથી દુર ન જવા દઉં!!” સાબિતી છે આ એક સફળ ફિલ્મ બનાવવાની!
Some live Right, some die Right.
Love is the only why!
Can we have a sequel?|